દ્વારકામાં છે એવી જગ્યાઓ કે ક્યાં પાણી ગુલાબી અને રેતી છે પીળી !!

શું તમે આ જન્માષ્ટમી પર દ્વારકા જઈ રહ્યા છો, તો આ લેખ ખાસ વાંચી લેજો અને પછી આગળનો તમારો પ્લાન બનાવજો. આ લેખમાં અમે તમને એ જગ્યાઓ વિષે જણાવીશું કે જે તમે દ્વારકા જાઓ ત્યારે મુલાકાત લેવા જવું જોઈએ ?

હવે જયારે જન્માષ્ટમી નજીક છે, તો શ્રદ્ધાળુઓ, ભક્તો મથુરા, વૃંદાવન, ગોકુળ, દ્વારકા જેવા સ્થળોની મુલાકાત લેવા માટે ખુબ જ ઉત્સુક છે. કૃષ્ણનો જન્મદિવસ આવી રહ્યો છે તો એમની હાજરી જે જગ્યાઓએ હતી એ સ્થળોની મુલાકાત લેવી એ કાંઈ ધન્યતાથી ઓછું નથી. એમાં પણ દ્વારકા એટલે તો ખુદ કૃષ્ણએ વસાવેલી નગરી. ભલે ને આજે સોનાની દ્વારકા આપણી પાસે ન હોય, ભલે કૃષ્ણની દ્વારકા આપણે શોધી રહ્યા હોય, પણ જયારે ગુજરાતની દેવભૂમિ દ્વારકાની હવામાં તમે શ્વાસ લો એટલે તમને સાક્ષાત કૃષ્ણનો અનુભવ ચોક્કસ થાય. તમે જગતમંદિરમાં કૃષ્ણની સામે જયારે આંખ બંધ કરીને સાચા મનથી દર્શન કરતા હોવ ત્યારે તમને દ્વારકાધીશના આશીર્વાદ ચોક્કસ અનુભવાય. જન્માષ્ટમી આવી રહી છે એટલે લખો ભક્તો દ્વારકાની મુલાકાતે આવતા હોય છે, પરંતુ દ્વારકામાં જગતમંદિર સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં કૃષ્ણ વીચર્યા છે, તેમણે લીલાઓ કરી છે. તો જો તમે આ જન્માષ્ટમી પર દ્વારકા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ લેખ ખાસ વાંચીને જ પ્લાન તૈયાર કરજો. આ લેખમાં અમે તમને એવી જગ્યાઓ વિષે જણાવીશું કે કઈ કઈ જગ્યાઓએ તમારે જવું જોઈએ ?

1. ગોમતી તળાવ

દ્વારકાધીશના જગતમંદિની દક્ષિણ દિશામાં એક લાંબુ અને મોટું તળાવ આવેલું છે. આ તળાવ ગોમતી તળાવના નામે ઓળખાય છે. આ ગોમતી તળાવની કાંઠે એક નિષ્પાપ કુંડ આવેલો છે. ત્યાં પિતૃતર્પણ અને પિંડદાનનું ખાસ મહત્વ રહેલું છે.

2. કૈલાશ કુંડ

કૈલાશ કુંડ ગોમતી તળાવથી જ થોડેક જ દૂર આવેલો છે. આ કુંડ કેમ પ્રખ્યાત છે તો એનું કારણ છે કે તેનું પાણી ગુલાબી રંગનું દેખાય છે છે ને આ આશ્ચર્યની વાત. હવે આ દેખવા માટે તો તમારે આ કુંડની મુલાકાત લેવી જ પડશે. સાથે જ અહીંયા ભગવાન શ્રી સૂર્યનારાયણનું મંદિર પણ આવેલું છે.

3. ગોપી તળાવ

ગોમતી તળાવની સાથે સાથે દ્વારકામાં અન્ય એક તળાવ પણ આવેલું છે અને એ ગોપી તળાવ તરીકે ઓળખીતું છે. જે રીતે કૈલાશ કુંડનું પાણી ગુલાબી છે, તો એ પ્રમાણે ગોપી તળાવના કાંઠાની માટી પીળા રંગની છે. એ માટી ગોપીચંદન તરીકે પણ ઓળખાય છે. આ ગોપીચંદનનો ઉપયોગ સોંદર્યપ્રસાધન તરીકે પણ કરવામાં આવે છે અને અહીંયા તમને મોરની સંખ્યા પણ ખૂબ જ જોવા મળે છે.

4. બેટ દ્વારકા

જો તમે બેટદ્વારકાની મુલાકાત વગર આવો તો દ્વારકાનો પ્રવાસ જ અધૂરો ગણાય. એવું કહેવામાં આવે છે કે બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણણે નરસૈંયાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ વિશાળ મહેલ આવેલા છે અને એમાંથી જે પહેલો મહેલ છે એને ભગવાન શ્રીકૃષ્ણના મહેલ તરીકે ઓળખવામાં આવે છે. સાથે એની ઉત્તરે રુક્મણિ અને રાધા મહેલ છે એવું કહેવામાં આવે છે. દક્ષિણ તરફના મહેલ જામ્બવતી અને સત્યભામાના મહેલ છે એવું કહેવામાં આવે છે.

5. શંખ તળાવ

દ્વારકાનું આ ત્રીજું તળાવ એટલે કે શંખ તળાવ. એની પાછળ એવી માન્યતા રહેલી છે કે અહીંયા ભગવાન શ્રીકૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર પણ આવેલું છે.

6. જગત મંદિર

જે પણ ભક્તો દ્વારકા આવતા હોય એ ભગવાન કૃષ્ણના આ મંદિરે દર્શન કરવા ચોક્કસ આવતા હોય છે. આ મંદિર વિષે એક રસપ્રદ વાત એવી પણ છે કે આ મંદિર પાંચ માળનું છે અને એ મંદિરમાં કુલ 60 સ્તંભ છે. ફક્ત એટલું જ નહીં પણ આ મંદિરમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર આવવા મોક્ષ દ્વારની વિશેષ રચના કરવામાં આવેલી છે અને એ સિવાય ભગવાન કૃષ્ણનું મંદિર કોતરણી માટે પણ ખુબ જ પ્રખ્યાત છે.

The post દ્વારકામાં છે એવી જગ્યાઓ કે ક્યાં પાણી ગુલાબી અને રેતી છે પીળી !! appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment