ગુજરાતનો નાયગ્રા ફોલ્સ છે ડાંગમાં આવેલ આ 300 ફૂટ ઉંચાઈ પરથી પડતો નયનરમ્ય ધોધ

જયારે આખો ઉનાળો ગરમીમાં શેકાયા હોય અને પછી ચોમાસું આવે એટલે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે અને આ ખીલેલી પ્રકૃતિના સૌંદર્યને પીવા માટે જે લોકોની વ્યસ્ત જીંદગી હોય છે એમાંથી 1-2 દિવસની નવરાશ કાઢીને કેટલાક લોકો તો કુદરતની સજાવેલી અજાણી પગદંડીઓ ખૂંદવા નીકળી પડતા હોય છે. જો તમે પણ એવા જ કુદરતી સૌંદર્યને આંખોથી પીવાના શોખીન છો તો તમારે ગુજરાત બહાર જવાની પણ જરુર નથી. આપણા ગુજરાતને જ ઈશ્વરે એટલી બધી સુંદરતા બક્ષી છે કે જેનો અનુભવ તો તમને એક વખત એ જગ્યાએ રુબરુ મુલાકાત લઈને પછી જ થઈ શકે છે.

ગુજરાતીઓ પ્રવાસના ખુબ જ શોખીન હોય છે એવું તો તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ મોટાભાગના લોકો માત્ર કેટલાક પ્રખ્યાત પ્રવાસન સ્થળ હોય ત્યાં જ વધુ ભીડ કરતા હોય છે. પણ જો એક વખત આવી ભીડથી દૂર થઈને કોઈ એવી જગ્યાએ જશો જ્યાં દૂર દૂર સુધી મોબાઈલનું નેટવર્ક જ હોય નહિ કે પછી કોઈ જ ઘોંઘાટીયા વાહનોના હોર્નનો અવાજ આવતો હોય. હોય તો માત્ર ઝરણા-ધોધનો કલકલ અવાજ અને પ્રકૃતિનું મધુર ગુંજન. તો આજે એક એવી જ જગ્યા વિષે વાત કરીશું જે છે આપણા ડાંગ જિલ્લામાં આવેલ ચીમેર ધોધ.

આ ધોધ 300 ફૂટની ઊંચાઈથી નીચે પડે છે અને એ ધોધને ગુજરાતનો નાયગ્રા કહેવામાં આવે છે. હકીકત એવી છે કે અહીંયા કુલ ચાર ધોધ ઉંચાઈ પરથી નીચે પડે છે. પણ એ બધા ધોધમાં ચીમેર મુખ્ય ધોધ છે. ડાંગના સોનગઢ અને ત્યાંથી જંગલમાં આવેલ રસ્તે હાંદલા થઈને ચીમેર ગામ સુધી પહોંચી શકાય છે. આ ગામ એટલ બસ ગામના નામનું એક પાટીયું અને ફક્ત 10-12 જ ઘર. અહીંયા જે સરકારી શાળાનું મકાન છે ત્યાંથી આગળ જતા રસ્તા પર તમે વળો એટલે એક કિમી સુધી ગાડીથી તમે આગળ જઈ શકો અને પછી ધોધ સુધી પહોંચવા માટે આશરે 2 કિમી જેટલું પગપાળા ખેતરો અને નાળાઓ પાર કરીને પહોંચી શકાય છે.

એક વખત તમે ટેકરીના કિનારે પહોંચી જાઓ એટલે સામે તમને આશરે 100 ફૂટ દૂર ચીમેર ધોધ જોવા મળશે પણ … આહા! આટલા દૂરથી પણ તમે આ ધોધને જોશો તો તમારા મોઢામાંથી અદભૂત અને Wow જેવા શબ્દો નીકળે તો નવાઈ નહિ. અહીંયા કુલ ચાર ધોધ છે જે નીચે પડે છે. જેમાં એક તો તમે જે દિશામાં ઉભા હોવ ત્યાંથી જ નાના ઝરણાં સ્વરૂપે પડે છે. જ્યારે બીજા બે સામેની બાજુએ આવેલા છે. પણ આ બધામાં મોટો અને મુખ્ય ધોધ તો ચીમેર ધોધ જ છે. એમાંય ચોમાસામાં અવકાશી મહેર પછી ધોધમાં વરસાદી પાણીની આવકથી જે નજારો જોવા અને માણવા મળે એ તો ખરેખર અવિસ્મરણીય જ હોય છે.

ચારે બાજુએ જંગલ અને તેની નીતાંત શાંતી વચ્ચે ઉંચાઈથી પડતા ધોધના પાણીનો કર્ણપ્રિય અવાજ, સાથે જ ધોધના નીચે પડવાથી જે ધુમ્મસમય વાતાવરણ સર્જાય છે એ બધું જ મળીને તમે મંત્રમુગ્ધ થઇ જાઓ એવું વાતાવરણ ઉભું થાય છે. તમે અહીંયા પથ્થર પર બેસો અને ચીમેર ધોધને નિહાળ્યા કરો તો કલાકો ને કલાકો ક્યાં પૂરા થઈ જશે એની તમને ખબર જ નહીં પડે. એ પછી તો આ ધોધનું દ્રશ્ય તમારા મગજમાં એટલી હદે કોતરાઈ જશે અને ત્યાં આટલીવાર સગી આંખે જોયા બાદ પણ તમને નવાઈ ચોક્કસ લાગશે કે આટલું સુંદર સ્થળ આપણા ગુજરાતમાં જ આવેલું છે અને આટલા વર્ષ થઇ ગયા તો પણ એક વખત તમે આવ્યા કેમ નહીં હોવ.

હવે પાછું તમારે પગપાળા ચાલીને જ્યાં તમારી ગાડી પાર્ક કરી હશે એ જગ્યાએ જવું પડશે. અહીંયા જ 6 કિમી દૂર નિશાના ગામે પણ એક સરસ મજાનો ધોધ આવેલો છે અને એ સિવાય તમે આશરે 20-25 કિમી દૂર આવેલ શબરીધામની મુલાકાતે પણ જઈ શકો છો. જો તમે અહીં સુધી આવ્યા છો તો આ પણ એક અતિ રમણીય સ્થળ છે. વાર્તાઓ પ્રમાણે આ જગ્યાએ શ્રીરામે સબરી માતા પાસેથી એમના એંઠા બોર ખાધા હતા. અહીંયા આવેલ સુબીર ગામથી 3 કિમી દૂર એક પંપા સરોવર આવેલું છે. જ્યાં એક નદી પર ચેકડેબ બાંધવામાં આવેલો છે. એની પરથી પસાર થતા વરસાદી પાણી નયનરમ્ય ધોધનો નઝારો સર્જે છે.

જો આ બધું વાંચીને તમને પણ એવું મન થઈ રહ્યું છે કે એકવાર ત્યાં ફરી આવીએ તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આખરે ચીમેર સુધી તમે કઈ રીતે પહોંચી શકો છો ? તમે સુરતથી બારડોલી થઈને ડાંગના સોનગઢ સુધી રાજ્ય ધોરીમાર્ગ વડે પહોંચી શકો છો. અહીંયા સુધી જવા માટે તમે તમારી પોતાની કારનો અથવા GSRTCની બસનો પણ ઉપયોગ કરી શકો છો. સુરત-બારડોલીથી તમને સોનગઢ માટે સરકારી બસ મળી જાય છે. જોકે એ પછી આગળ જવા માટે જો તમારી પાસે જ તમારું પોતાનું વાહન હોય તો ફરવાની મજા જ કંઈક અલગ હશે કારણકે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં તમને સરકારી બસની સગવડ ઓછી મળશે.

The post ગુજરાતનો નાયગ્રા ફોલ્સ છે ડાંગમાં આવેલ આ 300 ફૂટ ઉંચાઈ પરથી પડતો નયનરમ્ય ધોધ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment