પોરબંદરમાં આ જગ્યાએ આવેલી છે એક ગુફા, જે જગ્યાએ મણિ માટે કૃષ્ણએ કર્યું હતું યુદ્ધ

પોરબંદરમાં એક જગ્યા છે કે જે જાંબુવતીની ગુફા તરીકે જાણીતી છે. એમ જોઈએ તો જાંબુવતીની ગુફા અહીંયા જે શિવલિંગ બને એના માટે જાણીતી છે. જાંબુવતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગનું સર્જન થાય છે. એ પણ એક કે બે શિવલિંગ નહિ પણ સેંકડો.

જો કૃષ્ણ અને ગુજરાતના સંબંધની વાત કરીયે તો એનો સંબંધ જ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો અથવા તો પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. આ વાત પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાતો કૃષ્ણની વ્યૂહરચના પણ કારણભૂત ગણાવે છે. હવે જે પણ કારણ હોય પણ ગુજરાતની ધરા પર રહીને કૃષ્ણ ભગવાને આ ભૂમિને પવિત્ર કરી છે. ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે, કે જ્યાં કૃષ્ણ ફર્યા હોવાની, કૃષ્ણની લીલાઓ થઈ છે એવી વાતો પ્રચલિત છે. આજે પણ લોકો આ બધી જ જગ્યાઓની મુલાકાત લે છે અને પાવન થાય છે.

એમ તો કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પણ એમની હાજરી દ્વારકાથી માંડીને સોમનાથ અને પોરબંદર સુધી અનુભવાય છે. પોરબંદરમાં એક એવી પણ જગ્યા આવેલી છે, જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ જોવા મળે છે. પોરબંદરમાં આવેલી આ જગ્યા જાંબુવતીની ગુફા તરીકે જાણીતી છે. એમ તો જાંબુવતીની ગુફા અહીંયા જે શિવલિંગ બને છે એના માટે જાણીતી છે. જાંબુવતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગનું સર્જન થાય છે. એ પણ એક કે બે નહીં સેંકડો શિવલિંગો. અહીંયા ગુફાની છતમાંથી ટપકતાં પાણીને પગલે જમીન પર શિવલિંગની રચના થાય છે. આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા માટે વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. પહેલા તો આ વાતને ચમત્કાર માનવામાં આવતી હતી. પણ ઘણા વૈજ્ઞાનિક સંશોધનો કર્યા પછી ઘણા રહસ્યોનો ખુલાસો પણ થયો છે.

કેટલાક સંશોધનો પછી એવી વાત જાણવા મળી છે કે આ શિવલિંગ ચૂનાનું પાણી ટપકવાથી પડે છે. ગુફાના ખડકો ચૂનાના પથ્થર છે, અને એમાંથી હજારો વર્ષ સુધી ટપકી રહેલા પાણીને કારણે આ સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે. આ પ્રકારના ચૂનાના પથ્થર કેલિફોર્નિયામાં જોવા મળે છે. એ સિવાય જાંબુવતીની ગુફા ઉપરાંત બરડા ડુંગરમાં આલોચ અને ગોપમાં ડુંગરમાં પણ જોવા મળે છે.

શું છે એની પાછળની માન્યતા ?

જો કે આટલા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે તો પણ શ્રદ્ધાળુઓ તો એને ચમત્કાર જ માને છે. કેટલાક લોકો એવું કહે છે કે આ ગુફાનો એક રસ્તો કૃષ્ણની નગરી દ્વારકા અને બીજો રસ્તો જૂનાગઢ તરફ જાય છે. એ સિવાય આ ગુફામાં એક સફેદ નાગ રહેલો છે અને એની પાસે એક મણિ છે એવી પણ માન્યતા રહેલી છે.

બીજી પણ એક માન્યતા છે કે યાદવોના આગેવાન સત્રજીતને સૂર્યદેવે સ્યામંતક મણિ આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે આ મણિ રોજ 8 ભાર સોનુ આપતો. સત્રજીતે તેને પૂજાસ્થાને રાખ્યો હતો. એના કારણે તેની સંપત્તિ અને સમૃદ્ધિ વધવા માંડી. શ્રી કૃષ્ણે સત્રજીતને આ મણિ ઉગ્રસેનને આપવાનું કીધું પણ એ માન્યો નહિ. એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન કાંઈ પણ પૂછ્યા વિના મણિ લઈને શિકાર કરવા માટે ગયો. જ્યાં સિંહે તેનો શિકાર કર્યો, અને મણિ પણ સિંહના પેટમાં પહોંચ્યો. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવને કાઢ્યો. એ રીતે આ મણિ જાંબુવન પાસે પહોંચી ગયો. બીજી બાજુ સત્રજીતે મણિ ખોવાઈ ગયો તો એનો આરોપ કૃષ્ણ પર મૂક્યો. જ્યારે ભગવાન કૃષ્ણ પર સામંત્યક મણિ ચોરવાનું આળ લાગ્યું, તો એ આળ હટાવવા માટે ભગવાને પણ એ મણિ શોધવાનું ચાલુ કર્યું અને જયારે કૃષ્ણને એવી માહિતી મળી કે આ મણિ જાંબુવન પાસે છે. તેઓ જાંબુવનને શોધતા શોધતા આ ગુફા સુધી આવી પહોંચ્યા અને આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. પરંતુ એ યુદ્ધમાં ન તો કોઈ હાર્યું, ન તો કોઈને જીત મળી , પણ આખરે જાંબુવને ભગવાન શ્રીકૃષ્ણથી પ્રભાવિત થઈને સામંત્યક મણિ તેમને સોંપી દીધો, એ સાથે જ પોતાની પુત્રી જાંબુવતીના પણ કૃષ્ણ સાથે લગ્ન કરાવ્યા, આ ગુફા આ યુદ્ધ માટે પણ પ્રખ્યાત બની છે.

પોરબંદરના રાણાવાવ નજીક આવેલી આ ગુફા ‘પ્રવાસન વર્ષ’ સમય દરમિયાન વિક્સાવવામાં આવેલી છે. જેના લીધે આ અંધારી ગુફામાં લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો હોય સુધી પહોંચવું હોય તો એના માટે રસ્તા પણ બનાવવામાં આવેલા છે. એ સિવાય આસપાસના સ્થળોનો પણ વિકાસ કરાયો છે. એના પરિણામરૂપે જાંબુવતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી છે.

કઈ રીતે અહીંયા પહોંચી શકાય ?

જો તમને પણ જાંબુવતીની ગુફા જોવાની ઈચ્છા થઈ આવી છે, તો એના માટે તમારે પોરબંદર પહોંચવું પડશે. તમને ગુજરાતના કોઈ પણ શહેરથી પોરબંદર માટે બસ અને ટ્રેન ઉપલબ્ધ થઇ જાય છે. પોરબંદરથી આ ગુફા સુધી પહોંચવું હોય તો એના માટે તમને ખાનગી અને સરકારી બંને પ્રકારના વાહનો ઉપલબ્ધ થઇ જાય છે.

The post પોરબંદરમાં આ જગ્યાએ આવેલી છે એક ગુફા, જે જગ્યાએ મણિ માટે કૃષ્ણએ કર્યું હતું યુદ્ધ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment